મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્રસ્થળ વડતાલ ધામ ભારતીય સનાતન સંસ્કૃતિ અને પરંપરાને પોષણ આપતું તીર્થસ્થળ છે. જ્યાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા રહેલી છે. આ એક જ એવું સ્થળ છે જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પોતાના હસ્તે આ દેવોને પ્રતિષ્ઠિત કર્યા છે અને પોતાનું દૈવત્વ આ મૂર્તિઓમાં પ્રસ્થાપિત કર્યું છે. આ મંદિરના નિર્માણમાં સ્વયં ભગવાને પોતે ઇંટો ઉપાડેલી છે. આ પુણ્યશાળી ધરા પર ગોમતી સરોવરના કિનારે 38800 ચોરસ યાર્ડના વિશાળ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ “અક્ષરભુવન” ધી સ્વામિનારાયણ મ્યુઝિયમ એન્ડ એક્સિબ્યુશન સાકાર થવા જઈ રહ્યું છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના જીવનકાળમાં અનેક વખત અહીં આવ્યા હતા. તેથી, ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓને લાંબા સમય સુધી સાચવવા અને દૃશ્યમાન રાખવા માટે, મંદિર પ્રશાસને એક વિશાળ સંગ્રહાલય બનાવવાનો નિર્ણય લીધો, જે આધ્યાત્મિકજગતની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવશે.
આ મ્યુઝિયમ એ પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને આધુનિક ટેક્નોલોજીનું દિવ્યતા અને ભવ્યતાનું સંયોજન છે. આટલા મોટા મ્યુઝિયમની ખાસિયત એ છે કે આ બિલ્ડિંગમાં ક્યાંય સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સિમેન્ટની જગ્યાએ ગુગળ, ગોળ, હરડે, અડદનો લોટ, રેતી અને પાણીના મિશ્રણને 100 વાર ઘંટીમાં પીસીને તેમાંથી સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થશે.

આ મ્યુઝીયમમાં 1014 સ્તંભો, 1352 કમાનો, 34 નાના ગુંબજ, 1 મુખ્ય ગુંબજ અને 9 વિશાળ મ્યુઝિયમ હોલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રિસેપ્શન હોલ, સંત આશ્રમ અને પ્રિઝર્વેશન લેબોરેટરીથી પણ બનાવવામાં આવશે.
પ્રાચીન અને આધુનિક ટેક્નોલોજીના સમન્વય સાથે નિર્માણ થવા જઈ રહેલા આ મ્યુઝિયમમાં તમે 3D પ્રોજેક્શન, હોલોગ્રાફિક પ્રેઝન્ટેશન, ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તથા અનેક પ્રકારની આધુનિક ટેકનોલોજીથી ભગવાન શ્રી સ્વામિનારાયણની જીવનયાત્રાનો વાસ્તવિક અનુભવ કરી શકશો.

મ્યુઝિયમના મધ્ય ભાગમાં કમળના શિલ્પમાં નવધા ભક્તિની પ્રતિકૃતિ જોવા મળશે. આ કમળની દરેક પાંખડી 16-16 ફૂટ શુદ્ધ પિત્તળની બનેલી હશે અને આ કમળના શિલ્પની મધ્યમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની 52 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. આ અક્ષરભુવન મ્યુઝિયમમાં તમને 5000 પ્રસાદીમય વસ્તુઓ જોવા મળશે.

વડતાલમંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, આપણી પ્રાચીન હસ્તકલા અને સ્થાપત્યની ભવ્યતાનો પરિચય કરાવવા તથા સંપ્રદાયની પરંપરા અને વારસાને સાચવીને આપણી શાશ્વત પરંપરાને જાળવી રાખવાનો અને આવનારી પેઢીઓ સુધી આ વારસાને લઈ જવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.

વર્તમાન શ્રીલક્ષ્મીનારાયણપીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ.1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા વડતાલ મંદિરના ચેરમેન પ.પૂ.કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી તથા વડતાલ મંદિર મુખ્ય કોઠારી શ્રી ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીના નેતૃત્ત્વ હેઠળ અને વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડના સહીયારા પ્રયાસથી આ ભવ્ય, દિવ્ય અને અલૌકિક અક્ષરભુવન – ધી સ્વામિનારાયણ મ્યુઝિયમ એન્ડ એક્સિબ્યુશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં આ મ્યુઝીયમ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનું એક અપ્રતિમ સ્થળ બની રહેશે એવી આશા છે.