છેલ્લાં કેટલાક સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે સંબંધો સુધારવા ભારતે લીધેલા પગલાંની અસર દેખાઈ રહી છે. તાલિબાનના અધિકારીઓએ અફઘાનિસ્તાન સ્થિત હિન્દુ અને શીખ લઘુમતીઓને તેમની જમીન પરત કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે.
આ મુદ્દે તાલિબાનના એક અધિકારીએ કહ્યું હતું કે, આ પહેલ અફઘાનિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ પ્રત્યે અન્યાયને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં લાંબા સમયથી હિન્દુઓ અને શીખો વિસ્થાપિત થઈ રહ્યા છે અને તેઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે.
ભારતીય અધિકારીઓ આ ઘટનાક્રમને તાલિબાન તરફથી ભારત તરફના સકારાત્મક સંકેત તરીકે જુએ છે. હિન્દુ અને શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા સંસદ સભ્ય નરેન્દ્ર સિંહ ખાલસા તાજેતરમાં કેનેડાથી અફઘાનિસ્તાન પરત ફર્યા છે.
ભારત સરકારે તાજેતરમાં જ વિદેશી ધરતી પર દબાયેલા આવા લઘુમતીઓને નાગરિકતા આપવા માટે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગુ કર્યો છે. આ બિલ સંસદમાં ઘણા સમય પહેલા પસાર થઈ ચૂક્યું છે. દેશભરમાં તેના વિરોધ બાદ તેને પડતો મૂકવામાં આવ્યો હતો. જોકે, લોકસભાની ચૂંટણી પહેલા જ તેનો અમલ કરવામાં આવ્યો છે.