તાઇવાની પેગાટ્રોન ભારત ખાતેના તેના એકમાત્ર આઇફોન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિયંત્રણ ટાટા ગ્રૂપને સોંપવા માટે વાટાઘાટો કરી રહી છે. આ ડીલને એપલનું પણ સમર્થન મળ્યું છે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. આ પ્લાન્ટ માટે ટાટા અને પેગાટ્રોન વચ્ચેની વાટાઘાટો છ મહિનામાં પૂરી થવાની ધારણા છે અને પેગાટ્રોન ઈન્ડિયાના તમામ કર્મચારીઓ જોઈન્ટ વેન્ચર એન્ટિટીમાં સામેલ થશે.

આ ડીલ હેઠળ ચેન્નાઇમાં પેગાટ્રોન પ્લાન્ટનું સંચાલન કરવા માટે બંને કંપનીઓ એક સંયુક્ત સાહસની રચના કરશે, જેમાં ટાટા ગ્રૂપ પાસે 65 ટકા હિસ્સો હશે. બાકીનો હિસ્સો તાઇવાનની કંપની પાસે રહેશે અને તે ટેકનિકલ સપોર્ટ આપશે.

પેગાટ્રોન ઇન્ડિયા ફેક્ટરીમાં લગભગ 10,000 કર્મચારીઓ છે અને તે વાર્ષિક 5 મિલિયન આઇફોનું એસેમ્બલિંગ કરે છે.

એપલ બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ચીનની બહાર તેની સપ્લાય ચેઇનને વધુને વધુ મજબૂત કરવા માંગે છે. ચેન્નાઈ પેગાટ્રોન પ્લાન્ટની સંપૂર્ણ ખરીદીથી ટાટા ગ્રૂપની ભારતમાં આઈફોન ઉત્પાદન યોજનાઓને વેગ મળશે.

ટાટા પહેલાથી જ કર્ણાટકમાં આઇફોન એસેમ્બલી પ્લાન્ટ ચલાવે છે, જે તેને ગયા વર્ષે તાઇવાનની વિસ્ટ્રોન પાસેથી ખરીદ્યો લીધો હતો. ટાટા ગ્રુપ તમિલનાડુના હોસુરમાં એક બીજો પ્લાન્ટ પણ બનાવી રહ્યું છે. આ પ્લાન્ટ માટે પેગાટ્રોન તેના સંયુક્ત સાહસ ભાગીદાર તરીકે ઉભરી શકે છે.

ભારતમાં એપલના iPhone કોન્ટ્રાક્ટ ઉત્પાદકોમાં હાલમાં ટાટા, પેગાટ્રોન અને ફોક્સકોનનો સમાવેશ થાય છે. ભારતમાં એપલની વધતી જતી મહત્વાકાંક્ષા માટે ટાટા ચાવીરૂપ છે, જે વિશ્લેષકોના અંદાજ મુજબ આ વર્ષે કુલ આઇફોન નિકાસમાં 20-25% ફાળો આપશે, જે ગયા વર્ષે 12-14% હતો.