જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથના પવિત્ર ગુફાની વાર્ષિક યાત્રા 29 જૂન, 2024ના રોજ શરૂ થાય છે અને 19 ઓગસ્ટ, 2024ના રોજ સમાપ્ત થશે. 52 દિવસની આ યાત્રા માટે એડવાન્સ રજિસ્ટ્રેશન 15 એપ્રિલ, 2024ના રોજ ચાલુ થયું છે. અમરનાથ યાત્રામાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની અધિકૃત વેબસાઈટ https://www.jksasb.nic.in/ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.

સરકારના આદેશ અનુસાર 13 થી 70 વર્ષની વયના ભારતીય નાગરિકો અમરનાથ યાત્રા કરી શકે છે. પ્રવાસ માટે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. યાત્રાના રૂટ, આરોગ્યની જરૂરિયાતો અને અન્ય આવશ્યક વિગતો સહિત તીર્થયાત્રા વિશે વધુ માહિતી માટે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ગયા વર્ષે લગભગ 4.50 લાખ ભક્તો આવ્યા હતાં. આ વખતે 6 લાખ મુસાફરોના આવવાની સંભાવના છે.

15 એપ્રિલથી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજિસ્ટ્રેશન થઈ શકશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે તમે શ્રાઈન બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર લોગ-ઈન કરી શકો છો. જો તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરાવવા માગતાં હો તો તમારે શ્રી અમરનાથજી યાત્રા એપ ડાઉનલોડ કરવી પડશે. જ્યારે, ઓફલાઇન નોંધણી પંજાબ નેશનલ બેંક, SBI, યસ બેંક અને જમ્મુ અને કાશ્મીર બેંકમાંથી કરી શકાય છે.

આ યાત્રાના પહેલગામમાં રૂટમાં ગુફા સુધી પહોંચવામાં 3 દિવસ લાગે છે અને આ રસ્તો સરળ છે. આ યાત્રા લગભગ 9 કિમીની છે. બીજો રૂટ બાલતાલ રૂટ છે. તેમાં 14 કિમી ચડવું પડે છે, પરંતુ તે ચઢાણ ખૂબ જ ઊભું છે, તેથી વૃદ્ધોને આ માર્ગ પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માર્ગ પર સાંકડા માર્ગો અને જોખમી વળાંકો છે.