બોલીવૂડમાં વિવાદનું બીજું નામ રાખી સાવંત માનવામાં આવે છે. ભૂતપૂર્વ પતિ આદિલ દુર્રાનીનો વાંધાજનક વીડિયો લીક કરવાના મામલે રાખી સાવંતની મુશ્કેલી વધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂકાદો આપતાં રાખી સાવંતની જામીન અરજી ફગાવી હતી અને ચાર અઠવાડિયામાં હાજર થવા જણાવ્યું હતું.
રાખી સાવંત હાજર ન થાય તો તેની ધરપકડ કરવામાં આવશે. આદિલ દુર્રાનીએ રાખી સાવંત વિરુદ્ધ કેસ કર્યો છે. જેમાં રાખીએ તેમનો પ્રાઈવેટ અને પોર્નોગ્રાફિક વીડિયો ઓનલાઈન પોસ્ટ કર્યો હોવાનો દાવો આદિલે કર્યો હતો. પોતાની અગાઉથી મંજૂરી લીધા વગર રાખીએ આ વીડિયો ટીવી પર ટોક શોમાં ચલાવ્યો હોવાનું પણ આદિલે જણાવ્યું હતું. આદિલની ફરિયાદના આધારે રાખી સાવંત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડની શક્યતાઓ વધી ગઇ છે. ધરપકડથી બચવા માટે રાખીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી આગોતરા જામીન માગ્યા હતા.
કોર્ટે રાખીની જામીન અરજી ફગાવીને ચાર અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. અગાઉ મુંબઈ હાઈકોર્ટે પણ રાખી સાવંતની જામીન અરજી ફગાવી હતી. રાખી સાવંતના બચાવમાં તેની ટીમ તરફથી દાવો કરાયો છે કે, વીડિયો પાંચ વર્ષ જૂનો છે અને તેને પોર્નોગ્રાફિક કહી શકાય નહીં. બીજી તરફ રાખી સાવંત આ ઘટના સાથે જોડાયેલો મોબાઈલ તપાસ અધિકારીઓને ન સોંપે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની જાહેરાત આદિલે કરી છે.