પાકિસ્તાની મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર સાદિક ખાને લંડનના મેયર તરીકે સીમાચિહ્નરૂપ સતત ત્રીજી વખત જીત મેળવી છે. સાદિક ખાને તેમના કન્ઝર્વેટિવ હરીફ સુસાન હોલને 276,000 કરતા વધુ મતોથી હરાવ્યા હતા અને લેબરના મતોમાં 3.2%નો વધારો કર્યો હતો. તેઓ 14માંથી 9 મતવિસ્તારોમાં જીત્યા હતા જેમાં બે મતવિસ્તારોતો ટોરીઝ પાસેથી આંચકી લીધા હતા.

સાદિક ખાને 1,088,225 મતો મેળવ્યા હતા જ્યારે સુસાન હોલને 812,397 મતો મેળવ્યા હતા. લિબરલ ડેમોક્રેટ્સ ત્રીજા, ગ્રીન પાર્ટી ચોથા અને રિફોર્મ યુકે પાંચમા સ્થાન પર રહી હતી.

સાદિક ખાને 2021માં જીતેલા મતવિસ્તારો લેમ્બેથ એન્ડ સધર્ક, બાર્નેટ અને કેમડેન, સિટી ઓફ લંડન એન્ડ ઈસ્ટ, મર્ટન એન્ડ વૉન્ડ્સવર્થ, ગ્રીનીચ એન્ડ લુઇશામ, એનફિલ્ડ અને હેરીંગે અને નોર્થ ઈસ્ટ સહિતના મતવિસ્તારો જીત્યા હતા. જ્યારે આ વખતે તેમણે કન્ઝર્વેટિવ્સ પાસેથી વેસ્ટ સેન્ટ્રલ 5.2% વધુ મત સાથે અને સાઉથ વેસ્ટ 2.7%ના સ્વિંગ સાથે જીત્યા હતા. ટોરી ઉમેદવાર સુસાન હોલે 811,000 વોટ મેળવ્યા હતા જે કુલ વોટનો 32.7% હિસ્સો ધરાવે છે. તો શ્રીમતી હોલે હેવરીંગ એન્ડ રેડબ્રિજ, ક્રોયડન અને સટન, બેક્સલી અને બ્રોમલી, ઇલિંગ અને હિલિંગ્ડન અને બ્રેન્ટ એન્ડ હેરોમાં જીત મેળવી હતી.