અમેરિકામાં ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP)ના પ્રેસિડેન્ટ ડો. અદાપા પ્રસાદના નેતૃત્ત્વમાં 14 એપ્રિલના રોજ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે મોદી કા પરિવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેશના અન્ય શહેરોમાં પણ ભાજપના સમર્થનમાં આવી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ન્યૂયોર્કના કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સેંકડો લોકો એકત્ર થયા હતા અને એવો સંદેશો પ્રસરાવ્યો હતો કે, મોદીનો પરિવાર વિશ્વભરમાં ફેલાયેલો છે. મોદીના સમર્થનમાં લોકોએ ઝંડા, બેનર અને સૂત્રો લખેલા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા
ડો. પ્રસાદે આવા કાર્યક્રમના સફળ આયોજન અને સમર્થન માટે OFBJPના કાર્યકર્તાઓની પ્રશંસા કરી હતી. અગ્રણી કાર્યકર ક્રિષ્ના રેડ્ડીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના સમર્થનમાં લોકો આવી રહ્યા છે તે ક્ષણના સાક્ષી બનવાથી ખૂબ જ ખુશી થાય છે.
OFBJP-અમેરિકાના જનરલ સેક્રેટરી ડો. વાસુદેવ પટેલે આ કાર્યક્રમમાં સમર્થન આપવા બદલ સમુદાયના અગ્રણીઓ, સ્વયંસેવકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સમુદાયના અગ્રણી ચરન સિંઘે જણાવ્યું હતો કે, એનઆરઆઇ કમ્યુનિટી તરફથી મહત્ત્વનું સમર્થન મળ્યું હતું. જાણીતા આગેવાન કલ્પના શુક્લએ દેશ-દુનિયામાં ભારતીયો માટે કામગીરી કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. ન્યૂયોર્કના કાર્યક્રમમાં ન્યૂજર્સી, કનેક્ટીકટ અને ન્યૂયોર્કના બરોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારની રેલીઓ ડેટ્રોઇટ, મિશગન, શિકાગો, ઇલિનોઇ અને હોલીવૂડ-કેલિફોર્નિયામાં પણ યોજાઇ હતી. સમુદાયના અગ્રણીઓએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.