અમેરિકાના સેન એન્ટોનિયોમાં પોલીસના ફાયરિંગના ભારતીય મૂળના એક વ્યક્તિનું મોત થયું હતું. હુમલાના કેસના સંબંધમાં પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ બે પોલીસ અધિકારીઓ પર તેનું વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. સચિન સાહૂને 21 એપ્રિલે પોલીસ અધિકારી ટાયલર ટર્નરે  ગોળી માર્યા બાદ તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. સાહૂ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે તે અમેરિકન નાગરિક હોવાની શક્યતા છે.

સચિન સાહૂની ભૂતપૂર્વ પત્નીએ જણાવ્યું હતું કે તે માનસિક રીતે બીમાર હતો. એક મારામારીના કેસમાં પોલીસ તેને પકડવા ગઈ ત્યારે ડખો થયો અને પોલીસે તેને ગોળી મારી દીધી હતી.

પ્રાથમિક તપાસ પ્રમાણે 21 એપ્રિલે સેન એન્ટોનિયો ખાતે સાંજે પોલીસને કોલ આવ્યો કે એક માણસ ખતરનાક હથિયારો લઈને હુમલો કરી રહ્યો છે. પોલીસ આ જગ્યાએ 6.30 વાગ્યે પહોંચી ગઈ હતી. ત્યાં જઈને જોયું તો સચીન સાહૂએ એક 51 વર્ષીય મહિલા સાથે કાર ટકરાવી હતી અને પોતે ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને ગંભીર હાલમાં નજીકની હોસ્પિટલે લઈ જવાઈ હતી. ત્યાર પછી સાહૂને પકડવા માટે વોરન્ટ ઈશ્યૂ કરાયા હતા. કોઈ પડોશીએ પોલીસને જાણ કરી કે સચિન સાહૂ તેની અસલ જગ્યાએ પાછો આવી ગયો છે. પોલીસે તે જગ્યાએ પહોંચીને સાહૂનો સંપર્ક કરવાની કોશિશ કરી તો તેણે તેના પર વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. એક ઓફિસરને સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયો હતો જ્યારે બીજા એક પોલીસમેનને ઘટનાસ્થળે જ સારવાર અપાઈ હતી.