ગુજરાતમાં સાત મેએ યોજાનારી લોકસભાની 25 બેઠકો માટે ચૂંટણી પ્રચાર કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, પહેલી મેએ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. ગુરુવારે મોદીએ આણંદમાં ચૂંટણી સભા યોજી હતી.

આણંદ અને ખેડા લોકસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મધ્ય ગુજરાતના આણંદ શહેરમાં મેગા ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી)ની અનામત મુસ્લિમોને આપવા માટે ભારતના બંધારણમાં ફેરફાર કરવા માગે છે. પાકિસ્તાન રડી રહ્યું છે, કારણ કે અહીં કોંગ્રેસ મરી રહી છે. તમે બધાએ જાણ્યું જ હશે કે પાકિસ્તાની નેતાઓ હવે કોંગ્રેસ માટે પ્રાર્થના કરી રહ્યા છે. પાકિસ્તાન ‘શહજાદા’ (રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને) આગામી વડાપ્રધાન બનાવવા આતુર છે. આ આશ્ચર્યજનક નથી. કારણ કે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે કોંગ્રેસ પાકિસ્તાનની ‘મુરીદ’ (શિષ્ય) છે.પાકિસ્તાન અને કોંગ્રેસ વચ્ચેની ભાગીદારી હવે સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે.