ગુજરાત સહિતના 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રીજા રાઉન્ડની ચૂંટણીમાં 93 લોકસભા બેઠકો માટે મંગળવાર 7 મેએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ થયું હતું. મતદાન પહેલા ભાજપ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ મતદારોને પોતાની તરફેણમાં રીઝવવામાં છેલ્લી ઘડી સુધી કોઈ કસર છોડી ન હતી અને એકબીજા પર ઉગ્ર પ્રહારો કર્યા હતાં.
ત્રીજા રાઉન્ડની ચૂંટણીનું ભાજપ માટે વિશેષ મહત્ત્વ છે, કારણ કે 2019માં ભાજપે ગુજરાત, છત્તીસગઢ, બિહાર અને મધ્યપ્રદેશમાં વિપક્ષના સુપડા સાફ કર્યા હતા.
ગુજરાતની કુલ 26માંથી 25 બેઠકો પર મતદાનનો પ્રારંભ થયો હતો. સુરતની બેઠક પર ભાજપના ઉમેદવારનો બિનહરીફ વિજય થયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની 11, ઉત્તરપ્રદેશની 10, કર્ણાટકની બાકીની 14, છત્તીસગઢની સાત, મધ્યપ્રદેશની આઠ, બિહારની પાંચ, આસામ અને પશ્ચિમ બંગાળની ચાર-ચાર તથા ગોવાની તમામ બે બેઠકો પર મતદાન ચાલુ થયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની 2 બેઠકોમાં પણ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે.