વડા પ્રધાન ઋષિ સુનકે યુકેમાં આગામી સામાન્ય ચૂંટણી તારીખ 4 જુલાઈના રોજ કરવાની જાહેરાત કરીને ચૂંટણી અંગેની તમામ ઉગ્ર અટકળોનો અંત આણ્યો હતો. સુનકે કોવિડ રોગચાળો, ફર્લો યોજના અને યુક્રેનમાં યુદ્ધની ચર્ચા કર્યા પછી જણાવ્યું હતું કે હવે પ્રશ્ન એ છે કે “તમે કોના પર વિશ્વાસ કરો છો?  બ્રિટન માટે તેના નેતાની પસંદગી કરવાનો સમય આવી ગયો છે. તો લેબર લીડર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’ચૂંટણી એક એવી ક્ષણ છે જેની દેશ રાહ જોઈ રહ્યો હતો.’’

તા. 22ને બુધવારે સાંજે લંડનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટના પગથિયાં પરથી વરસતા વરસાદમાં સંબોધન કરતા બ્રિટનના ભારતીય વારસાના પ્રથમ વડા પ્રધાન સુનકે કહ્યું હતું કે “આજે મેં મહારાજા ચાર્લ્સ ત્રીજા સાથે સંસદના વિસર્જનની વિનંતી કરવા માટે વાત કરી હતી અને રાજાએ આ વિનંતીને માન્ય કરી છે. હવે આપણે ચોથી જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજીશું.’’

ચૂંટણીની જાહેરાતના પાંચમા દિવસે આજે મંગળવારે ઋષિ સુનક મિડલેન્ડ્સમાં પ્રચાર કરી રહ્યા છે અને ટોરી પક્ષે પેન્શનરો માટે નવી ટેક્સ સ્કીમની જાહેરાત કરી છે. કન્ઝર્વેટિવ્સનો દાવો છે કે  તેમની “ટ્રિપલ લોક પ્લસ” યોજના પેન્શનરોના વ્યક્તિગત ભથ્થામાં ઓછામાં ઓછો 2.5% વધારો કરશે. સુનકે નેશનલ સર્વિસ સ્કીમની જાહેરાત કરી છે.