મુંબઈ પોલીસે અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બે શૂટર્સની ધરપકડ કરી હતી. મૂળ બિહારના વિકી સાહબ ગુપ્તા અને સાગર શ્રીજોગેન્દ્ર પાલ નામના આરોપીની ગઈકાલે સાંજે ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરાઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ ભુજના એક મંદિરમાં છુપાયેલા હતાં. પોલીસે બાતમીને આધારે તેમની ધરપકડ કરી હતી. રવિવારે સવારે લગભગ 5 વાગે મોટરબાઈક પર આવેલા બે શખ્સોએ બાંદ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ભાગી ગયા હતાં.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને શખ્સો કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય છે. બિશ્નોઈ હાલમાં સંગીતકાર સિદ્ધુ મૂસેવાલા તથા રાજપૂત નેતા અને કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડી સહિત અનેક હાઈ-પ્રોફાઈલ હત્યાના કેસોમાં સંડોવણી માટે તિહાર જેલમાં છે.

આરોપીઓને સોમવારે સવારે ગુજરાતમાંથી મુંબઈમાં લાવવામાં આવ્યા બાદ મુંબઈની અદાલતે તેમને નવ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતાં. સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર ગોળીબારની ઘટના બાદ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ એક ઓનલાઈન પોસ્ટમાં આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

આ ઘટના બાદ પોલીસે સલમાન ખાનની સુરક્ષા ટીમમાં વધુ જવાનોને જોડ્યા છે. અભિનેતાને ઘરની બહાર નીકળતા પહેલા મુંબઈ પોલીસને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે.